કોરોના અને વ્યક્તિ.

 કોરોના મહામારીના સમયે ચોતરફ ભયનો ભરડો લાગી ગયો છે. રૂમમાં વ્યક્તિ એકલી બેઠી હોય, તો પણ ભય લાગે, કોરોના થાય તો શું થાય તેના વિચારોમાં ડૂબેલો હોય, એમાં વળી અખબાર વાંચે કે ટેલિવિઝન પર સમાચારો જુએ, તો ભયમાં અતિ વૃદ્ધિ થાય છે, દેશનાં સમાચાર જાણ્યા પછી સંતોષ ન થાય તેમ ભય વૃદ્ધિ માટે એ વિદેશી ચેનલો જૂએ અને પછી કોરોના મહામારીના તુલનાત્મક આંકડાઓ તપાસે. એને કારણે થયેલાં મૃત્યુની સંખ્યાને બદલે વધી ગયેલા પોઝિટિવ કેસની લમણે હાથ મકીને વધુ ચિંતા કરે. કોઇને ઘરની બહાર જતાં બીક લાગે છે, તો કોઇને કમ્પાઉન્ડમાં કોરોના ફરતો લાગે છે. કોઇ વ્યક્તિ મળે ત્યારે પહેલી ચિંતા એ થાય કે એ કોરોનાગ્રસ્ત હશે, તો મારું આવી બન્યું !


કોરોના મહામારીના આંકડાઓ અને ઝીંકાતા સમાચારોને કારણે માનવી સલામત રહેવાનું શીખતો નથી, પણ ભયગ્રસ્ત થવાનું વધુ શીખે છે. હકીકતમાં કોરોના સંક્રમણનો ભોગ બનનારા અને પછી હેમખેમ પાછાં આવેલાં લોકોની વાતો તમે સાંભળી છે ખરી ? એ પોતાની કોરોના-કથની કહેશે પણ એનો અંત એ હશે કે આ બધું થયું, પણ ડૉક્ટરોએ જે સંભાળ લીધી એનાથી હું બીજો જન્મ પામ્યો. કોઇ કહેશે કે આવે વખતે મારા સ્વજનોએ જે રીતે સતત મારી દરકાર લીધી, આવો સ્નેહ આ પૂર્વે જિંદગીમાં ક્યારેય પામ્યો નથી. તો વળી કોઇ જોશભેર જણાવશે કે પૉઝિટિવ વિચાર રાખીને સારવાર લીધી અને એને કારણે બરાબર પાર ઊતરી ગયો.


કોઇ વળી જાનના જોખમે કામ કરતી નર્સોની સેવાભાવનાની પ્રશંસા કરશે. આમ કોરોનાની કથનીનો અત્યંત કડવો ડોઝ પીધા પછી પણ છેલ્લે તો તમને ચ્યવનપ્રાશ જેવી મધુર વાતો જ સાંભળવા મળશે. કોઇને જીવન જીવવાની નવી દિશા મળી તો કોઇને પોતાના જીવનમાં કયાં કાર્યોની પ્રાથમિકતા છે, એની સમજ સાંપડી, આ સઘળું જોઇને આપણે વધુ ને વધુ પોઝિટિવ વાતાવરણ સર્જીએ તો!



Comments

Popular Posts